ચાંદીપુરા વાયરસનો વધતો કહેર: સાબરકાંઠા અને પંચમહાલમાં વધુ બે બાળકોનાં મોત, રાજ્યમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સાથે ફેલાતા ચાંદીપુરા વાયરસે ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં વધુ બે બાળકોનાં મોત થતાં રાજ્યમાં આ વાયરસથી મૃત્યુઆંક વધીને 13 પર પહોંચી ગયો છે. સતત વધી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે, જ્યારે વાલીઓમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આરોગ્ય વિભાગના પ્રાથમિક આંકડા મુજબ અત્યાર સુધી મૃત્યુ પામેલા 13 બાળકોમાંથી ત્રણમાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 10 બાળકોના સેમ્પલના રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. તમામ બાળકોમાં તાવ, આંચકી અને ઉલટી જેવા ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા.

જિલ્લાવાર સ્થિતિ મુજબ પંચમહાલ જિલ્લામાં છ અને સાબરકાંઠા જિલ્લામાં સાત બાળકોનાં મોત નોંધાયા છે. હિંમતનગર વિસ્તારમાં છ અને પંચમહાલમાં ચાર બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા, પરંતુ રિપોર્ટ મળ્યા પહેલાં જ તેઓએ જીવ ગુમાવ્યો હતો.

હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સાત શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, જેમાં ગાંધીનગર જિલ્લાના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, ઘર-ઘર આરોગ્ય તપાસ અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મણીપુર ગામના એક બાળકને અચાનક તાવ અને આંચકી આવતાં ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોમાં તાવ, આંચકી, ઉલટી અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરી છે. સાથે જ મચ્છર અને અન્ય જીવાતોના પ્રજનનને રોકવા સ્વચ્છતા જાળવવાની પણ સલાહ આપવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail