સુરત: પૂરના પાણી ઓસર્યા બાદ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ભંગાર વીણી જીવન નિર્વાહ કરતા ગૌતમભાઈએ પૂરના પ્રવાહમાં તણાઈ આવેલી 50થી વધુ વાહનોની નંબર પ્લેટો એકત્ર કરીને સુરક્ષિત રાખી હતી અને હવે તે વાહન માલિકોને કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર પરત આપી રહ્યા છે.
ગૌતમભાઈએ જણાવ્યું કે, જે વ્યક્તિ પોતાના વાહનની અસલી RC બુક રજૂ કરે છે, તેને નંબર પ્લેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક પરત આપવામાં આવે છે. તેમની આ પહેલના કારણે અનેક વાહનચાલકોને નવી નંબર પ્લેટ બનાવવાનો ખર્ચ અને RTOની કાર્યવાહીમાંથી રાહત મળી છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટી સંખ્યામાં વાહન માલિકો પોતાની નંબર પ્લેટ મેળવવા માટે ગૌતમભાઈનો સંપર્ક કરી રહ્યા છે. અનેક લોકોએ તેમની નિઃસ્વાર્થ સેવા અને ઈમાનદારીની પ્રશંસા કરી છે.
નવી નંબર પ્લેટ બનાવવાના ખર્ચ, RTOના દંડ અને સરકારી પ્રક્રિયાની મુશ્કેલીઓમાંથી બચેલા વાહનચાલકોએ ગૌતમભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પૂરની આપત્તિ વચ્ચે તેમની આ માનવતાભરી કામગીરી લોકો માટે પ્રેરણારૂપ બની છે.









