મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પાર્સલ મારફતે મંગાવાયેલ દારૂનો જથ્થો ઝડપાયો, જૂનાગઢ સુધીની કડી ખુલતા તપાસ તેજ
રાજકોટ: શહેરમાં દારૂના ગેરકાયદે ધંધા સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસના વિવિધ વિભાગોએ અલગ-અલગ સ્થળોએ કુલ 7 દરોડા પાડી 2300થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન 8થી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલી ટ્રાવેલ્સ ઓફિસ બહારથી 13 શંકાસ્પદ પાર્સલ કબજે કરવામાં આવ્યા હતા. પાર્સલ ખોલતાં તેમાંમાંથી 1,824 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મધ્યપ્રદેશના ઇન્દોરથી મોકલાયો હોવાનું અને જૂનાગઢના નામે મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રેકેટની કડીઓ શોધવા પોલીસે તપાસ તેજ કરી છે.
બીજી કાર્યવાહીમાં બી. ડિવિઝન પોલીસે વેલનાથપરા વિસ્તારમાં રિક્ષામાંથી 384 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસમાં આ દારૂ રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
એલસીબી ઝોન-1ની ટીમે ઢેબર રોડ વિસ્તારના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 96 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. જોકે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક શખ્સને દારૂની બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
થોરાળા પોલીસે પણ અલગ-અલગ કાર્યવાહીમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આજીડેમ પોલીસે હુડકો ચોકડી નજીકથી બે શખ્સોને દારૂની બોટલો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ વિશેષ અભિયાનમાં દારૂના સપ્લાય નેટવર્ક, પાર્સલ મારફતે થતી હેરફેર અને તેની પાછળ સંકળાયેલા મુખ્ય બુટલેગરો સુધી પહોંચવા માટે તપાસ વધુ સઘન કરવામાં આવી રહી છે.









