વાઘોડિયાના ગુતાલમાં રસ્તાના અભાવે કાદવ વચ્ચે નીકળી અંતિમયાત્રા, સ્થાનિકોમાં રોષ

વડોદરા: વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામ સ્થિત એમ.પી. વસાહતના રહીશો આજે પણ મૂળભૂત રોડ સુવિધાથી વંચિત હોવાનું સામે આવ્યું છે. રસ્તાના અભાવે કાદવ અને કીચડ વચ્ચે અંતિમયાત્રા કાઢવાની ફરજ પડતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

વસાહતથી સ્મશાન સુધી પાકા રસ્તાની સુવિધા ન હોવાથી વરસાદી મોસમમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં અંતિમયાત્રા પણ કાદવ ભરેલા માર્ગ પરથી પસાર કરવી પડતાં સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, વિકાસના નામે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, છતાં આજે પણ વસાહતને મૂળભૂત માર્ગ સુવિધા ઉપલબ્ધ થઈ નથી. જેના કારણે નર્મદા નિગમ અને સંબંધિત વિભાગોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

ગ્રામજનોએ તાત્કાલિક અસરથી એમ.પી. વસાહતથી સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી મોસમ દરમિયાન આવી પરિસ્થિતિ વારંવાર સર્જાય છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

Leave a Comment

Traffic Tail