નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદ વરસાવ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર ભારત તરફ રુખ કર્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉત્તર પ્રદેશમાં વરસાદ સંબંધિત અલગ-અલગ દુર્ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હી અને ઉત્તરાખંડમાં પણ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ભારતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, વીજળી પડવી, દિવાલ ધરાશાયી થવી અને જળબંબાકાર જેવી ઘટનાઓમાં 14 લોકોના જીવ ગયા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. મેરઠ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર અને કાસગંજ સહિતના જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 13 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી સાથે વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક અને દૈનિક જીવન પર વ્યાપક અસર જોવા મળી હતી.
બીજી તરફ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 8 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં 107 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.
નૈનીતાલ તળાવનું જળસ્તર જોખમી સપાટીએ પહોંચતાં બોટિંગ સેવા તાત્કાલિક બંધ કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને 12 જુલાઈ સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે વરસાદના કારણે કૈલાશ-માનસરોવર યાત્રા માર્ગ પર પણ ભૂસ્ખલન સર્જાતાં ચીન સરહદ તરફનો સંપર્ક પ્રભાવિત થયો છે. ઉપરાંત અલકનંદા, ગંગા, પીંડર, કાલી, સર-2 અને ગૌરી નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું હોવાથી નદીકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.









