હસનવાડીમાં જીવલેણ હુમલાનો આરોપી કુખ્યાત રવિ ઉર્ફે ભગત પાસા હેઠળ જેલભેગો

રાજકોટ: હસનવાડી વિસ્તારમાં ચાર મહિના અગાઉ ટ્રાન્સપોર્ટ ઓફિસના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત આરોપી રવિ ઉર્ફે ભગત કિશોર ચાવડીયા સામે શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનરે આરોપી સામે પાસા (PASA) હેઠળ વોરંટ જારી કરતાં ભક્તિનગર પોલીસે તેની અટકાયત કરીને વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આગામી રથયાત્રા તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માથાભારે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે ગત માર્ચ મહિનામાં હસનવાડીના ધરમ એપાર્ટમેન્ટ નજીક આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસ બહાર અમન નામના યુવક પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં સંડોવાયેલા રવિ ઉર્ફે ભગત સામે ભક્તિનગર પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી દરખાસ્તને પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ મંજૂરી આપતાં આરોપી સામે પાસાનું વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તિનગર પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરીને તેને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી રવિ ઉર્ફે ભગત સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મારામારી, હત્યાના પ્રયાસ, જાહેરનામાના ભંગ સહિત કુલ આઠ ગુનાઓ નોંધાયેલા છે. શહેર પોલીસ દ્વારા ગુનાહિત તત્વો સામે આવી જ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

Leave a Comment

Traffic Tail