મુંબઈ: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડ શહેરના મોશી વિસ્તારમાં આજે એક ઇમારત અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ કાટમાળ નીચે અંદાજે 15થી 16 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
NDRF, પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય રાહત દળો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવી ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે હાલમાં અંદર હજુ છથી સાત લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. અત્યાર સુધીમાં ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇમારતનું ભોંયતળિયું અને ઉપરનો એક માળ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે બચાવ કામગીરીમાં પડકારો ઉભા થયા છે. તેમ છતાં રાહત દળો સતત કામગીરીમાં વ્યસ્ત છે અને દરેક સંભવિત સ્થળે શોધખોળ ચાલુ રાખી છે.
પ્રશાસને જણાવ્યું છે કે તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વિશેષ રેસ્ક્યૂ ટીમો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.









