સુરત: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન શહેરમાં ફરી ખાડીનું પાણી ઘૂસતાં સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું અને રૂ. 500 કરોડની ખાડી વિકાસ યોજના હજુ સુધી પૂર્ણ કેમ થઈ નથી તે અંગે સીધો સવાલ ઉઠાવ્યો.
મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરત પહોંચ્યા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ છેલ્લા બે દિવસથી સુરતમાં કેમ્પ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે જિલ્લા તંત્ર, મહાનગરપાલિકા અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિ અને રાહત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
બેઠક દરમિયાન સ્થાનિક ધારાસભ્યોએ મુખ્યમંત્રીને જણાવ્યું કે ખાડી વિસ્તાર આસપાસ થયેલા દબાણોના કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાઈ રહ્યો છે, જેના કારણે પાણી શહેરમાં ઘૂસી જાય છે. અગાઉ સરકારે આ દબાણો દૂર કરીને પાણીના નિકાલ માટે રૂ. 500 કરોડની યોજના મંજૂર કરી હતી, છતાં કામગીરી હજુ પૂર્ણ થઈ નથી.
મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને આ યોજના ઝડપથી પૂર્ણ કરવાની કડક સૂચના આપી હતી. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કાની સફાઈ પૂર્ણ કરવા, આવતીકાલ સુધીમાં અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાય અને રેશન કિટ પહોંચાડવા તેમજ જરૂરી તમામ રાહત વ્યવસ્થા તાત્કાલિક સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી હતી કે આગામી વરસાદ દરમિયાન ખાડીનું પાણી શહેરમાં ઘૂસે તેવી સ્થિતિ ફરી સર્જાવા ન જોઈએ. ઉપરાંત છેલ્લા એક વર્ષમાં નિર્માણ થયેલા અનેક રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જવાની ફરિયાદોને ગંભીરતાથી લઈ તેમણે તેની તપાસનો અહેવાલ રજૂ કરવા પણ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.
બેઠક બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા. રાજ્ય સરકાર આગામી દિવસોમાં સુરતના વેપારીઓ અને ઉદ્યોગોને થયેલા નુકસાન અંગે પણ સમીક્ષા કરીને જરૂરી રાહત પેકેજ અંગે નિર્ણય લઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









