ખેડૂતોના ડેટાને મળશે કડક સુરક્ષા: રાજ્ય સરકારે ‘વિભાગીય ડેટા સમિતિ’ની કરી રચના

ગાંધીનગર: ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ગુજરાત સરકારે ખેડૂતોના વ્યક્તિગત અને કૃષિ સંબંધિત ડેટાની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે **‘વિભાગીય ડેટા સમિતિ’ (Departmental Data Committee-DDC)**ની રચના કરી છે.

કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટના અમલને અનુરૂપ રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોનો વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત તમામ ડેટા સંપૂર્ણ સુરક્ષિત રહેશે. ખેડૂતોની સ્પષ્ટ સંમતિ વિના તેમના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને તમામ પ્રક્રિયા નિર્ધારિત નિયમો મુજબ જ હાથ ધરાશે.

નવી રચાયેલી વિભાગીય ડેટા સમિતિ કૃષિ વિભાગ, તેના બોર્ડ-નિગમો તેમજ કૃષિ યુનિવર્સિટીઓના ડેટાનું વૈજ્ઞાનિક, પારદર્શક અને સુરક્ષિત સંચાલન કરશે. ડિજિટલ યુગમાં ખેડૂતોનો ડેટા પણ જમીન અને પાક જેટલો જ મહત્વનો ગણાતો હોવાથી તેની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

સમિતિનું અધ્યક્ષપદ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ સંભાળશે. સમિતિમાં વિભાગીય ડેટા અધિકારી, મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી, આઈટી અને કાયદાકીય નિષ્ણાતો ઉપરાંત બોર્ડ-નિગમો, કૃષિ યુનિવર્સિટીઓ અને સંબંધિત કચેરીઓના વડાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

નવી વ્યવસ્થા હેઠળ કૃષિ વિભાગના તમામ ડેટાસેટને ઓપન, શેરેબલ, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટ એમ પાંચ અલગ-અલગ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે. જેના કારણે હવામાન, ખેતીની આધુનિક ટેકનિક અને બજાર ભાવ જેવી જાહેર ઉપયોગી માહિતી ખેડૂતો સુધી સરળતાથી પહોંચશે, જ્યારે વ્યક્તિગત વિગતો, બેંકિંગ માહિતી અને અન્ય ખાનગી ડેટાને સંવેદનશીલ શ્રેણીમાં રાખીને ઉચ્ચ સ્તરની સુરક્ષા આપવામાં આવશે.

સરકારનું માનવું છે કે ડેટાની સુરક્ષા મજબૂત બનવાથી ખેડૂતો સુધી સરકારી યોજનાઓનો લાભ વધુ પારદર્શક રીતે પહોંચશે અને છેતરપિંડીની શક્યતાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

Leave a Comment

Traffic Tail