કચ્છના લખપત નજીક અમેરિકન નેવીનું કન્ટેનર મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ

BSFને પેટ્રોલિંગ દરમિયાન બકલ બેટ વિસ્તારમાં શંકાસ્પદ કન્ટેનર મળ્યું; અંદરથી હાઇડ્રોલિક પંપ મળી આવ્યો

ભુજ: કચ્છ જિલ્લાના લખપત નજીક આવેલા બકલ બેટ વિસ્તારમાં અમેરિકન નેવી સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવતું એક કન્ટેનર મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ઘટનાને પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.

માહિતી મુજબ, BSFના જવાનો નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બકલ બેટ વિસ્તારમાં પહોંચ્યા હતા, ત્યારે તેમને એક શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યું હતું. કન્ટેનરની તપાસ કરતા તેની અંદરથી હાઇડ્રોલિક પંપ મળી આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં એરફોર્સ સહિત સંબંધિત સુરક્ષા અને તપાસ એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું છે કે અન્ય કોઈ કારણસર અહીં પહોંચ્યું છે તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સીઓ હાલ કન્ટેનરની ઉત્પત્તિ, તેની માલિકી અને તેમાં રહેલી સામગ્રી અંગે તપાસ કરી રહી છે. અધિકારીઓએ સમગ્ર મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Leave a Comment

Traffic Tail