સુરતમાં ખાખીની માનવતા: ગળાડૂબ પાણીમાં PI કુલદીપસિંહ ગોહિલ ટીમ સાથે ઉતર્યા, બે બાળકોનાં કરુણ મોત

સચિન GIDCમાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં બે માસૂમનાં મોત; અન્ય કોઈ બાળક ફસાયું નથી તેની ખાતરી કરવા પોલીસે હાથ ધરી સર્ચ કામગીરી

સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે સુરત શહેરમાં સર્જાયેલી વરસાદી આફત દરમિયાન ખાખીની માનવતાનું એક હૃદયસ્પર્શી દૃશ્ય સામે આવ્યું છે. સચિન GIDC વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં બે બાળકોના ડૂબી જવાથી કરુણ મોત થયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ પોતાની ટીમ અને ફાયર બ્રિગેડ સાથે ગળાડૂબ પાણીમાં ઉતરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

છેલ્લા 24 કલાકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સચિન GIDC વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં થોડા સમય પહેલાં બાળકોની કિલકારીઓ ગૂંજી રહી હતી, ત્યાં અચાનક માતમ છવાઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આગામી છઠ્ઠ પૂજાને ધ્યાનમાં રાખીને સોસાયટી દ્વારા બનાવવામાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતાં બે બાળકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

બે બાળકોના મોત બાદ તેમની સાથે રમતા અન્ય કોઈ બાળક પણ પાણીમાં ફસાયું તો નથી ને તેની ખાતરી કરવા PI કુલદીપસિંહ ગોહિલ પોતે ગળાડૂબ પાણીમાં ઉતરી સર્ચ કામગીરીમાં જોડાયા હતા. તેમની સાથે પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમે પણ સઘન તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને બચાવ ટીમની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, PI કુલદીપસિંહ ગોહિલ અગાઉ શાપર અને મેટોડા વિસ્તારમાં પણ પોતાની કાર્યશૈલી અને લોકલક્ષી કામગીરીને કારણે ચર્ચામાં રહ્યા હતા.

Leave a Comment

Traffic Tail