ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ

અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ; આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ: ગુજરાત પર એકસાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બંને ઝોનમાં સિઝનનો ચોથા ભાગ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ નોંધાયો છે. તેમાં સૌરાષ્ટ્ર ઝોન સૌથી આગળ 26.79 ટકા વરસાદ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 15.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.

કચ્છના અનેક તાલુકાઓ હજુ વરસાદની રાહમાં

રાજ્યના મોટા ભાગમાં વરસાદી માહોલ વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદથી વંચિત છે. અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપર સહિત દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકાઓમાં હજુ નોંધપાત્ર વરસાદ થયો નથી, જેના કારણે આ વિસ્તારો કોરાધાકોડ રહ્યા છે.

અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના

અરબી સમુદ્રમાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા વચ્ચે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail