શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જિલ્લાના 540 મેગાવોટ ક્ષમતાવાળા પાવર પ્લાન્ટ નજીક અચાનક પહાડનો ભેખડ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં માટી અને કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.
ભૂસ્ખલનની અસર પાવર પ્લાન્ટના પાર્કિંગ વિસ્તારમાં પણ જોવા મળી હતી, જ્યાં પાર્ક કરાયેલા અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનામાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ નીચે દટાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સતત વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા તેમજ ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે.









