મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ખાસ કરીને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને અન્ય દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રોડ, રેલ અને હવાઈ પરિવહન પર વ્યાપક અસર જોવા મળી હતી.
ભારે વરસાદ વચ્ચે કર્જત અને લોનાવાલા વચ્ચેના દક્ષિણ-પૂર્વીય ઘાટ વિસ્તારમાં ભૂસ્ખલન થતાં મુંબઈ–પુણે રેલવે માર્ગ પર ટ્રેક ઉપર કાટમાળ આવી પડ્યો હતો. પરિણામે ત્રણેય રેલ લાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને 16 ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી. રેલવે દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેક પરથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુંબઈ–પુણે એક્સપ્રેસવે તેમજ જૂના હાઈવે પર પણ ભારે વરસાદ, પાણી ભરાવા અને ભૂસ્ખલનના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. કેટલાક સ્થળોએ ટનલને નુકસાન થવાની આશંકાને પગલે માર્ગ અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે લાંબી વાહન કતારો જોવા મળી હતી.
પુણે જિલ્લાના એક અંતરિયાળ ગામમાં ભૂસ્ખલનના કારણે એક મકાન ધરાશાયી થતાં આખો પરિવાર કાટમાળ નીચે દટાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળે NDRFની ટીમો બચાવ અને શોધખોળની કામગીરીમાં જોડાઈ છે.
મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક ચાલનો ભાગ ધરાશાયી થતાં છ લોકોનાં મોત થયા હતા. ઉપરાંત વૃક્ષ ધરાશાયી થવા, ઇમારતની ગ્રીલ પડવી અને પાણીમાં ડૂબી જવા જેવી અલગ-અલગ ઘટનાઓમાં અન્ય ચાર લોકોનાં પણ મોત નોંધાયા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં સાન્તાક્રુઝમાં 159.2 મીમી અને કોલાબામાં 128 મીમી વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક માટે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ દરમિયાન રાયગઢ જિલ્લામાં એક તળાવનું જળસ્તર અચાનક વધી જતાં ત્યાં ફસાયેલા 12 પ્રવાસીઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.









