શિમલા: હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અંદાજે રૂ. 16 કરોડનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક મૂલ્યાંકનમાં સામે આવ્યું છે.
કિન્નોર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. ચોલીંગ વિસ્તારમાં આવેલા પૂર બાદ મોટા પ્રમાણમાં કાટમાળ રસ્તા પર આવી જતાં શિમલા–રિકાંગપિઓ રાષ્ટ્રીય રાજમાર્ગ અવરોધાયો હતો. આશરે 30 મીટર વિસ્તારમાં કાટમાળ જમા થતાં હાઈવે સવારે લગભગ 10 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહ્યો હતો.
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને કારણે માર્ગવ્યવહાર, વીજ પુરવઠો અને પીવાના પાણીની સુવિધા પર ગંભીર અસર પડી છે. અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર અને રાહત ટીમો કાટમાળ હટાવવા તેમજ આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે સતત કામગીરી કરી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન જુબ્બડહટ્ટીમાં 44 મીમી, બલદ્ધાડામાં 32 મીમી અને સરાહનમાં 27 મીમી વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.









