જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં માત્ર એક જ દિવસમાં અંદાજે 14 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે સમગ્ર તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું.
ભારે વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે જિલ્લાના 22 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બની હતી.
વાંદરવડ ગામ નજીક આવેલા કોઝવે પર પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એક એસટી બસ ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
બચાવ કામગીરી દરમિયાન બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમયસર હાથ ધરાયેલી કામગીરીને કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.









