લાજપોર જેલમાં નોંધણી વગર કેદીઓ સાથે મુલાકાતનું કૌભાંડ: એસીબીના છટકામાં શખ્સ રંગેહાથ ઝડપાયો

સુરત: સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં નોંધણી વગર કેદીઓ સાથે મુલાકાત કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રૂપિયા લઈને ગેરકાયદેસર રીતે મુલાકાત કરાવતો એક શખ્સ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

પકડાયેલા આરોપીની ઓળખ પ્રતિક કૈલાસ સસાને તરીકે થઈ છે. આરોપી રૂપિયા 500 લઈને કેદી સાથે નોંધણી વગર મુલાકાત કરાવતો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે એસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાજપોર જેલ ખાતે ડિકોય ગોઠવવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પ્રતિક સસાને રૂપિયા 500 સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નોંધણી વગર કેદીઓ સાથે મુલાકાત કરાવવા માટે રૂ. 500થી રૂ. 1,000 સુધીની રકમ વસૂલતો હતો.

સુરત ગ્રામ્ય એસીબીએ આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા જેલ સાથે સંકળાયેલા લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail