રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ યથાવત રાખી છે. ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગર જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ દરમિયાન 5થી 18 ઇંચ સુધી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા, રસ્તાઓ બંધ થયા અને જનજીવન પ્રભાવિત બન્યું છે.
જૂનાગઢ જિલ્લામાં માંગરોળમાં સૌથી વધુ 18 ઇંચ, જ્યારે કેશોદ અને માળીયા હાટીનામાં 17-17 ઇંચ, માણાવદરમાં 11 ઇંચ, માળીયામાં 10.30 ઇંચ, ભેસાણમાં 6 ઇંચ, તેમજ જૂનાગઢ, વંથલી અને વિસાવદરમાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં 13 ઇંચ, કોડીનારમાં 6 ઇંચ અને તાલાલામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેતરો જળમગ્ન બન્યા હતા.
માંગરોળમાં ગત બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઘરો અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. લંબોરા ડેમ ઓવરફ્લો થતાં નોળી નદીમાં પૂર આવ્યું હતું, જ્યારે શહેરને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. બંદર વિસ્તારમાં બે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
જામનગર જિલ્લાના જામજોધપુરમાં આશરે 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખરાવાડ વિસ્તારમાં પાણીના જોરદાર પ્રવાહમાં બે બાળકો તણાઈ જતાં સ્થાનિક યુવાનોએ બહાદુરીપૂર્વક બંનેનો જીવ બચાવ્યો હતો.
રાજકોટ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં અડધા ઇંચથી 4 ઇંચ, જામનગર જિલ્લામાં અડધા ઇંચથી 8 ઇંચ, પોરબંદરમાં અડધા ઇંચથી 6 ઇંચ, અમરેલીમાં અડધા ઇંચથી 2.5 ઇંચ, ભાવનગરમાં અડધા ઇંચથી 1.5 ઇંચ અને બોટાદ જિલ્લામાં અડધા ઇંચથી સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.
ઉપલેટાના ઢાંક પંથકમાં દોઢ કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે અને અનેક ગામોમાં લાપસીના આંધણ પણ મૂકાયા હતા.
અમરેલી જિલ્લામાં કુંકાવાવ-વડિયા, લીલિયા, બગસરા અને જાફરાબાદ સહિતના તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા અને મહુવામાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ નદી-નાળા નજીક ન જવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે.









