ગુજરાતમાં 9 જુલાઈ સુધી મેઘમહેર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે અને આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 9 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદના દોરની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જિલ્લાવાર બુલેટિન અનુસાર, રાજકોટ જિલ્લામાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં અતિથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જ્યારે આવતીકાલથી 9 જુલાઈ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.

જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી માટે આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. ભાવનગર જિલ્લામાં પણ આવતીકાલે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે ત્યારબાદના દિવસોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 5 અને 6 જુલાઈ દરમિયાન વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં સક્રિય બનેલી વિવિધ હવામાન પ્રણાલીઓના કારણે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા તેમજ ભારે વરસાદને કારણે લોકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 9 જુલાઈ સુધી હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વચ્ચે ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail