રાજકોટ: રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી તેનું સંગઠિત નેટવર્ક મારફતે વેચાણ કરતી ફિરોઝ ઉર્ફે ‘ફીરીયા’ સિન્ડિકેટ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સિન્ડિકેટના કુલ 20 સાગરીતો વિરુદ્ધ ગુજરાત સંગઠિત ગુનાખોરી નિયંત્રણ અધિનિયમ (GUJSITOC) હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સંગઠિત રીતે બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરીને રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં તેનો ગેરકાયદેસર વેપાર ચલાવતા હતા. લાંબા સમયથી કાર્યરત આ નેટવર્ક દ્વારા સુનિયોજિત રીતે દારૂનું સપ્લાય અને વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસનું કહેવું છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ નોંધાયેલા ગુનાઓ, ગુપ્ત માહિતી અને ઉપલબ્ધ પુરાવાના આધારે સમગ્ર સિન્ડિકેટ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ભૂમિકા, આર્થિક વ્યવહારો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે સંગઠિત ગુનાખોરી, દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને આવા નેટવર્ક સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.









