નવી દિલ્હી: નૈઋત્ય ચોમાસાની અનિયમિત ગતિ બાદ હવે ચોમાસું વધુ સક્રિય બનવાના સંકેતો વચ્ચે સિઝનનું પ્રથમ લો-પ્રેશર એરિયા સર્જાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમના પ્રભાવથી આગામી દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તેમજ તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં આ સિઝનનું પ્રથમ લો-પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમના કારણે નૈઋત્ય ચોમાસું વધુ મજબૂત બનશે અને વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
લો-પ્રેશર સાથે આશરે 7.6 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય બન્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે, જેના કારણે પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ હવામાન કેન્દ્ર દ્વારા કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને પુણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે સંવેદનશીલ વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.









