મોડું આવ્યું, પરંતુ હવે ચોમાસું પૂરજોશમાં; સમગ્ર દેશમાં પ્રસરી ગયું, ગુજરાતમાં પણ વરસાદી માહોલ

નવી દિલ્હી: મોડા આગમન બાદ હવે નૈઋત્ય ચોમાસાએ જોરદાર રફતાર પકડી છે અને સમગ્ર દેશમાં સક્રિય બની ગયું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન ચોમાસાએ ઝડપી ગતિએ આગળ વધીને દિલ્હી, રાજસ્થાન સહિત દેશના તમામ મુખ્ય રાજ્યોને આવરી લીધા છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ આગામી 48 કલાકમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ જશે તેવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાએ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ તેમજ ગુજરાતના વધુ વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. સામાન્ય રીતે દિલ્હીમાં 27 જૂન અને રાજસ્થાનમાં 20 જૂને ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે અનુક્રમે પાંચ અને 12 દિવસના વિલંબ બાદ તેનું આગમન થયું છે.

વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, સમગ્ર ગુજરાત, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના બાકીના વિસ્તારોમાં વધુ આગળ વધશે. ગુજરાતમાં 6 જુલાઈ સુધી વ્યાપક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.

ચોમાસાના આગમન સાથે દેશના અનેક ભાગોમાં ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. જોકે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ચારધામ યાત્રાળુઓને સાવચેતી રાખવા તેમજ જોખમી વિસ્તારોમાં પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે. બચાવ કામગીરી માટે NDRF સહિતની એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

દિલ્હી-એનસીઆરમાં પણ ચોમાસાના આગમન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નરેશ યાદવે જણાવ્યું હતું કે એક સાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. કોંકણ, ગોવા અને દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, ગોરખપુર અને પ્રયાગરાજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બિહારના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે અને આગામી 24 કલાક દરમિયાન સમગ્ર વિસ્તારમાં ચોમાસું વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail