શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા; આગામી સપ્તાહ દરમિયાન વધુ વરસાદની આગાહી
રાજકોટ: છેલ્લા ઘણા દિવસોથી આકરા તાપ અને અસહ્ય બફારાથી પરેશાન રાજકોટવાસીઓને આખરે રાહત મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
મહાનગરપાલિકાના વરસાદના આંકડા મુજબ, ગઈકાલે બપોરે 4થી 6 વાગ્યા દરમિયાન વેસ્ટ ઝોનમાં 10 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે 11થી બપોરે 2 વાગ્યા દરમિયાન ઇસ્ટ ઝોનમાં 1 મીમી, વેસ્ટ ઝોનમાં 12 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 7 મીમી વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ફરી ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો.
આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો અને તેજ પવન વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થતાં દિવસભર ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. કુલ મળીને છેલ્લા 24 કલાકમાં શહેરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સામાન્ય વરસાદ છતાં શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેસકોર્સ રિંગ રોડ, કિશાનપરા ચોક, બસ સ્ટેશન વિસ્તાર, લીમડા ચોક અને ત્રિકોણ બાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત જૂના રાજકોટ અને સદર બજાર વિસ્તારમાં પણ અનેક સ્થળોએ પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા જ્યારે પવનની સરેરાશ ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.
અમદાવાદ સ્થિત ભારતીય હવામાન વિભાગે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 1થી 7 જુલાઈ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે અલગ-અલગ તારીખે ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.









