જયપુરમાં ઘુમંતુ સમાજની મહાપંચાયત હિંસક બની: સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ જતા પોલીસ પર પથ્થરમારો

10 ટકા અનામત સહિતની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું; લાઠીચાર્જ, આંસુગેસ બાદ 15 ઉપદ્રવીઓની ધરપકડ

જયપુર: રાજસ્થાનના જયપુરમાં 10 ટકા અનામત સહિત વિવિધ માંગણીઓને લઈને ઘુમંતુ સમાજ દ્વારા યોજાયેલી મહાપંચાયત દરમિયાન મંગળવારે સાંજે અચાનક હિંસા ફાટી નીકળી હતી. સરકાર સાથેની વાતચીત કોઈ પરિણામ પર ન પહોંચતા આંદોલનકારીઓ ઉગ્ર બન્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને આંસુગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ, વિદ્યાનગર સ્ટેડિયમ ખાતે ઘુમંતુ સમાજ દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હતો, પરંતુ સમાજના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે યોજાયેલી મંત્રણા નિષ્ફળ રહેતા વાતાવરણ તંગ બન્યું હતું.

ત્યારબાદ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રી નિવાસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કેટલાક દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતાં પથ્થરમારો થયો હતો, જેમાં અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. લાઠીચાર્જ અને આંસુગેસના ઉપયોગ બાદ સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાના સંબંધમાં 15 જેટલા ઉપદ્રવીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઘુમંતુ સમાજ દ્વારા 10 ટકા અનામત, કાયમી વસવાટ માટે જમીનના પટ્ટા સહિત કુલ 11 માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ મુદ્દે સરકાર તરફથી વરિષ્ઠ આઈએએસ અધિકારી કુલદીપ રાંકા અને સમાજના આગેવાનો વચ્ચે ચર્ચા યોજાઈ હતી, પરંતુ કોઈ સર્વસંમતિ ન બનતાં વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.

Leave a Comment

Traffic Tail