ઉન્નાવ: આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર બુધવારે વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત ઉન્નાવ જિલ્લાના બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે થયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ હરિયાણાના ફરીદાબાદથી બિહાર જઈ રહેલી એક ખાનગી પેસેન્જર બસનો ડ્રાઇવર ઊંઘી જતાં બસ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. બસ ડિવાઇડર તોડીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી અને કુશીનગરથી મથુરા જઈ રહેલી એક અર્ટિગા કાર સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ બાદ બસ ખાડામાં પલટી ગઈ હતી.
અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બસમાં સવાર મુસાફરો સહિત અન્ય ઘાયલોને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ ઘનશ્યામ મીણાના જણાવ્યા અનુસાર, અકસ્માતનું પ્રાથમિક કારણ ડ્રાઇવરને ઊંઘ આવી જતાં બસ પરનો કાબૂ ગુમાવવાનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત અંગે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.









