વડોદરા: એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ‘ઇન્ડસ્ટ્રી આઉટરીચ–2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સંરક્ષણ ક્ષેત્રમાં ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન સંસ્થાઓ સાથે સહયોગ વધારી આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવવાનો હતો.
કાર્યક્રમમાં સંરક્ષણ ક્ષેત્રની સરકારી અને ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, MSME એકમો તેમજ વિવિધ સંશોધન અને ટેક્નોલોજી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિવિધ સત્રોમાં આધુનિક સંરક્ષણ ટેક્નોલોજી અને ભવિષ્યની જરૂરિયાતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડ્રોન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓ તથા અન્ય અદ્યતન ટેક્નોલોજીના વિકાસ અને ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યના સંરક્ષણ પડકારોને પહોંચી વળવા નવીન ટેક્નોલોજીના વિકાસમાં ઉદ્યોગોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારતીય વાયુસેનાએ ઉદ્યોગોને પોતાની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોની માહિતી આપતાં સંયુક્ત સંશોધન, ટેક્નોલોજી વિકાસ અને નવીનતા માટે વધુ સક્રિય ભાગીદારીની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગ-સંશોધન સંકલન મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.









