રાજકોટ/નવી દિલ્હી: સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત નરમાઈ જોવા મળી રહી છે. ચાલુ મહિનામાં સોનાના ભાવમાં ઓક્ટોબર 2008 બાદનો સૌથી મોટો માસિક ઘટાડો નોંધાતા રોકાણકારોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. સોનું તેના સર્વોચ્ચ સ્તરથી અંદાજે 26 ટકા (રૂ.50,600) જેટલું તૂટી ગયું છે.
આજે પણ સોનાના ભાવમાં વધુ રૂ.1,150નો ઘટાડો નોંધાયો હતો. રાજકોટમાં 10 ગ્રામ હાજર સોનાનો ભાવ ઘટીને રૂ.1,45,800 રહ્યો હતો, જ્યારે કોમોડિટી માર્કેટમાં તેનો ભાવ રૂ.1,42,325 નોંધાયો હતો. હાજર ચાંદી રૂ.2,31,100 અને વાયદા બજારમાં રૂ.2,23,150ના સ્તરે રહી હતી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આ વર્ષની શરૂઆતમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,92,991ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ સતત ઘટાડા સાથે ભાવ હવે અંદાજે રૂ.1,42,413 સુધી સરકી ગયો છે. બજાર નિષ્ણાતોના મતે આ ઘટાડો છેલ્લા 18 વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો માનવામાં આવે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા અને મજબૂત બનતો અમેરિકન ડોલર સોનાના ભાવ પર દબાણ ઊભું કરી રહ્યા છે. ઊંચા વ્યાજદરના માહોલમાં રોકાણકારો બોન્ડ અને અન્ય વ્યાજ આપતા સાધનો તરફ વળતા હોવાથી સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઓગમોન્ટના રિસર્ચ હેડ ડૉ. રેનિશા ચૈનાનીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2026માં નોંધાયેલા સર્વોચ્ચ સ્તરથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આશરે 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં અમેરિકા-ઈરાન તણાવને કારણે સોનાની માંગમાં થોડો વધારો થયો હતો, પરંતુ ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને અમેરિકામાં વ્યાજદર વધારાની સંભાવનાએ ફરી બજાર પર દબાણ વધાર્યું છે.
બજારના જાણકારોનું માનવું છે કે ભાવમાં મોટો ઘટાડો થયો હોવા છતાં રોકાણકારોએ એકસાથે મોટી ખરીદી કરવાને બદલે તબક્કાવાર રોકાણની રણનીતિ અપનાવવી જોઈએ. ગોલ્ડ ETF, ડિજિટલ ગોલ્ડ અથવા SIP દ્વારા ધીમે-ધીમે રોકાણ કરવાથી બજારની અસ્થિરતા સામે વધુ સારું સંતુલન જાળવી શકાય છે.
હવે અમેરિકાના રોજગાર અને મેન્યુફેક્ચરિંગ સંબંધિત આંકડાઓ પર બજારની નજર છે, કારણ કે તે સોનાના ભાવની આગામી દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.









