પેટ્રોલ-ડીઝલ પરના નિયંત્રણો હટાવાયા, હવે 40 દિવસનો બફર સ્ટોક ઉભો કરવાની તૈયારી

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિ અને ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન ઈંધણ પુરવઠા પર પડેલા દબાણ બાદ હવે દેશમાં સ્થિતિ સામાન્ય બનવા લાગી છે. ઓઈલ અને ગેસનો પુરવઠો ફરી સ્થિર થતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવેલા કેટલાક નિયંત્રણો હટાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ કોમર્શિયલ ગેસ પરના નિયંત્રણો દૂર કર્યા બાદ હવે વ્યાવસાયિક ઉપયોગ માટે પેટ્રોલ-ડીઝલની ખરીદી પરના પ્રતિબંધો પણ હટાવવામાં આવ્યા છે.

ઈંધણની અછત દરમિયાન જથ્થાબંધ ખરીદી પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું અને પ્રતિ વાહન રોજના 200 લીટર ડીઝલની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. હવે આ મર્યાદા દૂર કરવામાં આવી છે. જોકે, ઔદ્યોગિક અને છૂટક ડીઝલના ભાવ વચ્ચેનો પ્રતિ લીટર અંદાજે રૂ.40નો તફાવત યથાવત રહેશે.

કેન્દ્ર સરકારે ભવિષ્યમાં આવી કોઈપણ કટોકટી દરમિયાન ઈંધણ પુરવઠો ખોરવાય નહીં તે માટે નવી બફર સ્ટોક નીતિ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ દેશમાં પેટ્રોલિયમ પેદાશોનો અંદાજે 40 દિવસનો વ્યૂહાત્મક જથ્થો તૈયાર કરવામાં આવશે.

આ માટે ઓડિશાના ચાંદીકોલ, મધ્યપ્રદેશના બીના, રાજસ્થાનના બીકાનેર તેમજ કર્ણાટકના મેંગલુરુ અને પાડુર ખાતે નવા અથવા વિસ્તૃત પેટ્રોલિયમ રિઝર્વ વિકસાવવામાં આવશે. ઓડિશામાં નવા રિઝર્વ માટે બાંધકામના કોન્ટ્રાક્ટ પણ ફાળવી દેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ મોટા પાયે સંગ્રહ ક્ષમતા વિકસાવવાની યોજના છે.

હાલમાં ભારત પાસે મેંગલુરુ, પાડુર અને વિશાખાપટ્ટનમ ખાતે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર ઉપલબ્ધ છે, જેનું સંચાલન ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPRL) દ્વારા કરવામાં આવે છે. આ ભંડારો સુરક્ષાની દૃષ્ટિએ વ્યૂહાત્મક સ્થળોએ બનાવવામાં આવ્યા છે.

સરકાર હવે દેશમાં ઉપલબ્ધ ક્રૂડ ઓઈલના વ્યૂહાત્મક જથ્થામાં પણ વધારો કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં ઉપલબ્ધ અંદાજે 9.5 દિવસના રિઝર્વને વધારી 90 દિવસ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે સમગ્ર પ્રક્રિયાને ઝડપી ગતિએ આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે.

Leave a Comment

Traffic Tail