રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના પાણી વિતરણને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. વોર્ડ નં. 9, 10 અને 11ના કેટલાક સ્થાનિકો તેમજ ભાજપના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં બેરોકટોક પાણી ચોરી થઈ રહી છે, જ્યારે ડુપ્લેક્સ અને સામાન્ય રહેણાંક મકાનોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માત્ર 20 મિનિટના પાણી વિતરણ દરમિયાન પણ કેટલીક હાઈરાઈઝ બિલ્ડિંગોમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે છે, જ્યારે આસપાસના રહેવાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડે છે.
આક્ષેપો મુજબ, ભાજપના કોર્પોરેટર દ્વારા અગાઉ પણ આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં પાણી ચોરી અટકાવવા માટે અસરકારક કાર્યવાહી થઈ નથી. જેના કારણે કેટલાક સ્થાનિકોમાં વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સંભવિત મિલીભગત અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોનો દાવો છે કે કોર્પોરેશને માત્ર એકાદ-બે બિલ્ડિંગ સામે દંડાત્મક કાર્યવાહી કરીને સમગ્ર મુદ્દાને દબાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે વ્યાપક સ્તરે તપાસ અને કડક કાર્યવાહી હજુ સુધી જોવા મળી નથી.
આક્ષેપોને લઈને કોર્પોરેશન તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. સ્થાનિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી પાણી ચોરીમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.









