વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં મકાનમાં ચાલતા કસિનો સ્ટાઈલના જુગારધામનો કપુરાઈ પોલીસે પર્દાફાશ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન મકાન માલિક અશોક ગાંધી સહિત કુલ 9 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્થળ પરથી રૂ.2.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે જુગાર રમવા આવેલા લોકોને રોકડના બદલામાં પ્લાસ્ટિકના કોઈન આપવામાં આવતા હતા અને ત્યારબાદ તે કોઈનના આધારે પત્તા-પાનાનો કસિનો સ્ટાઈલનો જુગાર રમાડવામાં આવતો હતો.
દરોડા દરમિયાન રોકડ રકમ, પ્લાસ્ટિકના કોઈન, જુગાર રમવા માટે વપરાતી સામગ્રી અને અન્ય પુરાવાઓ પોલીસે કબજે કર્યા હતા. સમગ્ર જુગારધામ સુનિયોજિત રીતે ચલાવવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ જુગારધામ સાથે અન્ય કોઈ વ્યક્તિઓ અથવા નેટવર્ક સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.









