ઈરાનના પેટ્રોલિયમ મંત્રી દિલ્હીમાં: ભારત-ઈરાન વચ્ચે ક્રૂડ ઓઈલ કરારની તૈયારી, હોર્મુઝ માર્ગની સુરક્ષા પર ચર્ચા

નવી દિલ્હી: ભારત અને ઈરાન વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા મહત્વપૂર્ણ પ્રયાસો શરૂ થયા છે. અમેરિકા દ્વારા ઈરાનના ક્રૂડ ઓઈલ સંબંધિત પ્રતિબંધોમાં રાહત મળ્યા બાદ બંને દેશો વચ્ચે ફરી મોટા પાયે ક્રૂડ ઓઈલ વેપાર શરૂ થવાની શક્યતાઓ મજબૂત બની રહી છે.

માહિતી અનુસાર, ઈરાનના પેટ્રોલિયમ મંત્રી મોહસેન પાકનેજાદ તાજેતરમાં નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમણે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી સાથે બેઠક કરીને ઊર્જા સહયોગ, ક્રૂડ ઓઈલની આયાત અને દ્વિપક્ષીય વેપાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં ભારત અને ઈરાન વચ્ચે ક્રૂડ ઓઈલની ખરીદી માટે મહત્વપૂર્ણ વેપાર કરાર થઈ શકે છે. ભારત માટે ઈરાન નજીકનું, ઝડપી સપ્લાય આપતું અને સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ ક્રૂડ ઓઈલનું મહત્વનું સ્ત્રોત બની શકે છે.

ચર્ચા દરમિયાન હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજોની સુરક્ષા મુદ્દે પણ વિચારણા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પોતાની ઊર્જા સપ્લાય ચેઇન સુરક્ષિત રાખવા પર ખાસ ભાર મૂકી રહ્યું છે.

ક્રૂડ ઓઈલ ઉપરાંત બાસમતી ચોખા સહિતના ભારતીય કૃષિ ઉત્પાદનો માટે પણ ઈરાન મહત્વપૂર્ણ બજાર રહ્યું છે. બંને દેશો વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પ્રયાસ કરી રહ્યા છે.

ભારત પોતાની વધતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ દેશોમાંથી આયાતના વિકલ્પો મજબૂત કરી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં ભારત અને ચીન બંને ઈરાનના ક્રૂડ ઓઈલના મોટા ખરીદદારો તરીકે ફરી ઉભરી શકે છે.

Leave a Comment

Traffic Tail