મુંબઈ: ગુજરાતમાં ચોમાસું હજુ પૂરજોશમાં જામવાની રાહ જોવાઈ રહી છે, ત્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. દેશના આર્થિક પાટનગર મુંબઈમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા, જ્યારે માર્ગ અને રેલવે વ્યવહાર પર પણ તેની સીધી અસર જોવા મળી હતી.
ભારતીય હવામાન વિભાગે શહેર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને આગામી કલાકોમાં પણ ભારે વરસાદ, 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.
મુંબઈમાં મધરાત બાદ શરૂ થયેલો વરસાદ સવારે પણ યથાવત રહ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
ભારે વરસાદને કારણે અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે રાત્રે લગભગ 1:45 વાગ્યાથી તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો, જ્યારે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં લોકલ ટ્રેનો પણ વિલંબથી દોડતી જોવા મળી હતી.
ખાનગી હવામાન એજન્સીઓએ પણ સોમવારથી શનિવાર સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પવનો વધુ સક્રિય બન્યા છે અને અરબી સમુદ્ર તરફથી ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર, રાયગઢ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.









