ખેડા: જિલ્લાના કપડવંજ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયંકર વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ધડાકો એટલો જોરદાર હતો કે તેની અસર આશરે 10 કિલોમીટર સુધી અનુભવાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું.
પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટમાં પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિસ્ફોટનો અવાજ આસપાસના અનેક ગામોમાં સંભળાયો હતો, જ્યારે ધડાકાની ધ્રુજારી પણ લોકોને અનુભવાઈ હતી. ઘટનાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બચાવ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ દરમિયાન ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વિસ્ફોટનું ચોક્કસ કારણ તેમજ ફેક્ટરીના જરૂરી પરવાના સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.









