નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબીયોએ મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષના પ્રારંભમાં ભારતની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
માર્કો રૂબીયોએ જણાવ્યું કે તેઓ પોતે પણ આ વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વિવિધ દ્વિપક્ષીય કરારોને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
તાજેતરમાં યોજાયેલી જી-7 શિખર પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર સમજૂતી અને અન્ય વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પણ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લે ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે અમદાવાદમાં યોજાયેલી ‘નમસ્તે ટ્રમ્પ’ રેલીને સંબોધી હતી.
જોકે, વર્ષ 2024 બાદ બંને દેશો વચ્ચે ટેરિફ સંબંધિત કેટલાક મુદ્દાઓ હજુ ઉકેલની રાહ જોઈ રહ્યા છે. આવનારી ઉચ્ચસ્તરીય મુલાકાતો દરમિયાન આ મુદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









