વજન ઘટાડતી દવાઓ પર કેન્દ્ર સરકારના નવા નિયમો, પેકિંગ પર યુનિક રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત

નવી દિલ્હી: દેશમાં વજન ઘટાડતી દવાઓના વધતા ઉપયોગ અને નકલી દવાઓના વેપારને રોકવા માટે કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ કડક નિયમો જાહેર કર્યા છે. ખાસ કરીને Semaglutide સહિતની લોકપ્રિય GLP-1 શ્રેણીની દવાઓના પેકિંગ માટે હવે વિશેષ નોંધણી પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે.

નવા નિયમો અનુસાર દવાઓના ડબ્બા, સ્ટ્રીપ અને લેબલ બનાવતા તમામ ઉત્પાદકોને સરકારના પોર્ટલ પર પેકેજિંગ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ઉપરાંત દરેક પેકિંગ પર યુનિક રજિસ્ટ્રેશન નંબર પ્રિન્ટ કરવો ફરજિયાત રહેશે, જેથી પેકિંગનું મૂળ સરળતાથી શોધી શકાય અને નકલી દવાઓની ઓળખ તાત્કાલિક થઈ શકે.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કેટલાક તત્વો અસલી જેવા જ પેકિંગનો ઉપયોગ કરીને નકલી દવાઓ બજારમાં વેચી રહ્યા હતા. નવા નિયમોથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે GLP-1, Schedule H અને Schedule H1 શ્રેણીની દવાઓ હવે માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાશે. સાથે જ વજન ઘટાડવાની દવાઓ અંગેની સીધી કે આડકતરી તમામ પ્રકારની ભ્રામક જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવી દવાઓનો તબીબી સલાહ વિના ઉપયોગ ગંભીર આડઅસરોનું કારણ બની શકે છે. નવા નિયમોનો હેતુ દર્દીઓની સુરક્ષા વધારવા, નકલી દવાઓના વેચાણ પર અંકુશ લાવવા અને દવાઓના બજારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે.

Leave a Comment

Traffic Tail