ઉજ્જૈનમાં મોહરમના જુલૂસ દરમિયાન જોખમી સ્ટન્ટ, 40 ફૂટ ઊંચે લટકાવેલી વેનમાં બ્લાસ્ટ; 4 સામે FIR

ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહરમના જુલૂસ દરમિયાન જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. જુલૂસ દરમિયાન ક્રેનની મદદથી આશરે 40 ફૂટ ઊંચે લટકાવેલી વેનમાં જોરદાર ધડાકો કરવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી મુજબ આ ઘટના 23 જૂનની રાત્રે બડનગરના અડાન મહોલ્લામાં બની હતી. જુલૂસ દરમિયાન એક ટાટા મેજિક વેનને ક્રેન વડે હવામાં લટકાવવામાં આવી હતી. ત્યારબાદ બે યુવકો વેન પર ચઢીને ઝંડા લહેરાવતા જોવા મળ્યા હતા અને થોડા સમય બાદ વેનની અંદર જોરદાર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

વિડિયો સામે આવ્યા બાદ પોલીસે આયોજક, ક્રેનના માલિક સહિત ચાર લોકો સામે FIR નોંધાવી છે. આરોપીઓ સામે જાહેર સુરક્ષા જોખમમાં મૂકવા અને કાયદાકીય જોગવાઈઓના ભંગ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને વાયરલ વીડિયો સહિતના પુરાવાના આધારે સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail