અમરનાથ યાત્રા-2026 માટે બસ અને ટેક્સીના સત્તાવાર ભાડા જાહેર, વધુ વસૂલાત સામે કડક ચેતવણી

શ્રીનગર: આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા-2026ને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર અને મોટર વાહન વિભાગે યાત્રાળુઓ માટે બસ, ટેક્સી અને કેબના સત્તાવાર ભાડા જાહેર કર્યા છે. યાત્રા દરમિયાન મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલાતું અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે જાહેર કરાયેલા દર કરતાં વધુ ભાડું વસૂલનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યાત્રાળુઓને સત્તાવાર ભાડાની યાદી સાથે રાખવા અને કોઈપણ ફરિયાદ માટે અધિકૃત માધ્યમનો ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

જાહેર કરાયેલા મુખ્ય ભાડા મુજબ પહલગામથી જમ્મુ બસનું ભાડું રૂ.424 અને ટેક્સીનું રૂ.959 નક્કી કરાયું છે. શ્રીનગરથી જમ્મુ બસનું ભાડું રૂ.468 અને કેબનું રૂ.1,035 રહેશે. જ્યારે શ્રીનગરથી બાલતાલ બસ માટે રૂ.175 અને ટેક્સી માટે રૂ.386 ચૂકવવાના રહેશે.

તે જ રીતે બાલતાલથી જમ્મુ બસનું ભાડું રૂ.643 અને કેબનું રૂ.1,421 નક્કી કરાયું છે. શ્રીનગરથી પહલગામ બસનું ભાડું રૂ.173 અને ટેક્સીનું રૂ.384 જાહેર કરવામાં આવ્યું છે.

જમ્મુથી શ્રીનગર જતી બસો માટે પણ અલગ-અલગ કેટેગરી મુજબ ભાડું નક્કી કરાયું છે. સેમી-ડિલક્સ બસ માટે રૂ.468, ડિલક્સ માટે રૂ.649 અને સુપર ડિલક્સ એસી બસ માટે રૂ.793 રહેશે.

યાત્રાળુઓની સુરક્ષા માટે સમગ્ર યાત્રા માર્ગ પર સૈન્ય અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત વિવિધ ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે જેથી યાત્રા સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.

Leave a Comment

Traffic Tail