દેશમાં ચોમાસાની તેજ ગતિ: 22 રાજ્યોમાં એન્ટ્રી, આગામી 10 દિવસમાં આખું ભારત થશે આવરી લેવાશે

નવી દિલ્હી: દેશમાં ચોમાસું હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. પ્રી-મોન્સૂન ગતિવિધિઓ બાદ બુધવારે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થતાં હવે દેશના કુલ 22 રાજ્યોમાં વરસાદી મોસમ સક્રિય બની ગઈ છે.

ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 10 દિવસમાં, એટલે કે 5 જુલાઈ સુધીમાં ચોમાસું બાકીના તમામ રાજ્યોમાં પણ પહોંચી જશે અને સમગ્ર દેશ વરસાદની ચાદર હેઠળ આવી જશે.

ચોમાસાની સાથે દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. રાજસ્થાનના સીકર અને ચૂરુ જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે વાહનો પણ પાણીમાં ફસાઈ જવાના બનાવો નોંધાયા છે.

દિલ્હીમાં આંધી સાથે વરસાદ વરસ્યો છે, જ્યારે હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં વાદળ ફાટતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે અંધેરી સબ-વે અસ્થાયી ધોરણે બંધ કરવો પડ્યો હતો અને વિક્રોલી વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે.

પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું તેમજ ચાર લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.

હવામાન વિભાગે 26 અને 27 જૂન માટે આસામ, મેઘાલય, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત કોંકણ-ગોવા, કર્ણાટક અને તેલંગાણાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.

બિહારમાં પ્રી-મોન્સૂન વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટનાઓમાં જાનહાનિના બનાવો સામે આવ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગરમી અને હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મુંબઈ, થાણે, પાલઘર અને કોંકણ વિસ્તારમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે, ત્યારબાદ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ ચોમાસાની ગતિવિધિઓ યથાવત રહેશે.

Leave a Comment

Traffic Tail