વડોદરા: શહેર નજીક આવેલા દશરથ ભરત એસ્ટેટના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાથી આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં રાખવામાં આવેલા લાકડાના પેકિંગ મટીરીયલને કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં જ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ જોવા મળતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના ત્રણ બંબા સાથેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ દરમિયાન સ્થાનિક લોકોએ આસપાસની ઇમારતોના ટેરેસ પરથી આગના દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ નુકસાનનું મૂલ્યાંકન અને ઘટનાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.









