ગાંધીનગરમાં SBIના પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે CBIનો કેસ, રૂ.1.18 કરોડની લોન ઉચાપતનો આરોપ

ગાંધીનગર: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની કડજોદરા શાખામાં કરોડોની નાણાકીય ગેરરીતિનો મામલો સામે આવતા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પૂર્વ શાખા મેનેજર સામે ગુનો નોંધ્યો છે. આરોપ છે કે બેંક અધિકારીએ પોતાના પદનો દુરુપયોગ કરીને રૂ.1.18 કરોડથી વધુની લોન રકમમાં ગેરરીતિ આચરી હતી.

CBI દ્વારા નોંધાયેલી FIR મુજબ, કડજોદરા શાખાના તત્કાલીન મેનેજર અમલેશભાઈ ગમનભાઈ ગામીતે 21 જૂન 2022થી 20 મે 2025 દરમિયાન બેંકિંગ નિયમોનું ઉલ્લંઘન કરીને વિવિધ લોન ખાતાઓમાંથી નાણાંની ઉચાપત કરી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), મુદ્રા ડેરી લોન અને અન્ય કૃષિ લોન યોજનાઓ હેઠળ મંજૂર થયેલી રકમનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો. આરોપ મુજબ, તે ગ્રાહકો પાસેથી સહી કરેલા ખાલી ઉપાડ ફોર્મ અને સુરક્ષા ચેક મેળવી રાખતો હતો અને બાદમાં તેમની જાણ બહાર ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરતો હતો.

CBIની તપાસ દરમિયાન શાખાના એક પાર્કિંગ ખાતામાં પણ શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આ ખાતાનો ઉપયોગ વિવિધ ગ્રાહકો અને લોન ખાતાઓમાંથી નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ રકમ અન્ય ખાતાઓમાં મોકલીને વ્યવહારોનો ટ્રેઇલ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

FIR મુજબ, ગેરરીતિથી મેળવવામાં આવેલી રકમનો એક ભાગ આરોપીના સંબંધીઓ અને નજીકના લોકોના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તપાસમાં આરોપીના પિતા અને મિત્રો સાથે સંકળાયેલા કેટલાક ખાતાઓમાં પણ નાણાકીય લેવડદેવડ મળી આવી હોવાનું જણાવાયું છે. સમગ્ર કાવતરામાં આશરે 12 મધ્યસ્થી બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

CBIએ કેસ નોંધ્યા બાદ સમગ્ર નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન વધુ લોકોની સંડોવણી અથવા અન્ય ગેરરીતિઓ સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail