રાજ્યના પોલીસ વડા V. S. Malik દ્વારા રાજ્યભરના પોલીસ સ્ટેશનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ પોલીસ અધિકારીઓએ દરરોજ ઓછામાં ઓછા બે કલાક અરજદારો અને ફરિયાદીઓની રજૂઆતો સાંભળવા માટે ફાળવવાના રહેશે.
નવી સૂચના અનુસાર, નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોનો શક્ય તેટલો સ્થાનિક સ્તરે જ નિકાલ કરવામાં આવશે, જેથી લોકોને ઉચ્ચ કક્ષાએ ધક્કા ખાવા ન પડે અને ઝડપી ન્યાય મળી રહે.
પોલીસ વડાએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોઈપણ ફરિયાદ કે અરજીનો 15 દિવસની અંદર નિકાલ કરવો ફરજિયાત રહેશે. જો નક્કી કરેલી સમયમર્યાદામાં ફરિયાદનો ઉકેલ નહીં આવે અથવા બેદરકારી સામે આવશે તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ નવી વ્યવસ્થાથી પોલીસ તંત્રમાં જવાબદારી અને પારદર્શિતા વધશે તેમજ સામાન્ય નાગરિકોને તેમની ફરિયાદોના ઝડપી નિરાકરણમાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોને આ ગાઈડલાઈનનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે, જેથી જનતા અને પોલીસ વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે.









