સમી તાલુકા આરોગ્ય કચેરીમાં ₹27.19 લાખની ઉચાપત, આઉટસોર્સિંગ ક્લાર્ક સામે ફરિયાદ નોંધાઈ

પાટણ જિલ્લાના સમી તાલુકા આરોગ્ય કચેરીમાં ₹27.19 લાખની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે કચેરીમાં કાર્યરત એક આઉટસોર્સિંગ ક્લાર્ક સામે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાથમિક તપાસ મુજબ, આરોપી ક્લાર્કે કર્મચારીઓ અને અધિકારીઓના પગાર માટે બનાવવામાં આવેલા સરકારી ચેકમાં ગેરરીતિ આચરી હતી. હિસાબી અધિકારીની સહીવાળા કોરા ચેકનો દુરુપયોગ કરીને તેમાં પોતાનું નામ લખી લાખો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનું બહાર આવ્યું છે.

આરોપીએ અલગ-અલગ ચેક મારફતે કુલ ₹27.19 લાખની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું છે. ગેરરીતિનો ભાંડો ફૂટતા જ આરોપી ક્લાર્ક ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

જિલ્લા આરોગ્ય વિભાગને આ નાણાકીય ગેરરીતિની જાણ થતાં તાત્કાલિક આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરરીતિની પુષ્ટિ થતાં સમી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટનાએ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે.

Leave a Comment

Traffic Tail