જ્ઞાન સહાયકો માટે ખુશખબર, રાજ્ય સરકારે કરાર 11 મહિના માટે વધુ લંબાવ્યો

રાજ્યના જ્ઞાન સહાયકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે જ્ઞાન સહાયકોના કરારને વધુ 11 મહિના માટે લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હજારો જ્ઞાન સહાયકોને લાભ મળશે.

મળતી માહિતી મુજબ, શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન કાર્યરત તમામ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO)ને જરૂરી સૂચનાઓ પણ મોકલી આપવામાં આવી છે.

રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અને નવી ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્ઞાન સહાયકો દ્વારા શાળાઓમાં શિક્ષણ કાર્યમાં આપવામાં આવી રહેલા યોગદાનને ધ્યાનમાં રાખી કરારની મુદત વધારવામાં આવી છે.

સરકારના આ નિર્ણયથી શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા જળવાઈ રહેશે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ કોઈ અસર નહીં પડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જ્ઞાન સહાયકોના 11 માસના કરારની મર્યાદામાં વધારો થતાં રાજ્યભરના જ્ઞાન સહાયકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે કરાર રિન્યુ કરવાની પ્રક્રિયા સંબંધિત જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail