અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ગીરના દલખાણીયા રેન્જ વિસ્તારમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. ચિત્તલ હરણ અને સસલાનો શિકાર કરનાર ચાર શિકારીઓને વન વિભાગે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓએ જંગલ વિસ્તારમાં ચિત્તલ હરણ અને સસલાનો શિકાર કરી તેમના માંસના ટુકડા કર્યા હતા. આ દરમિયાન વન વિભાગની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ચારેય શિકારીઓને ઝડપી લીધા હતા.
કાર્યવાહી દરમિયાન વન વિભાગે શિકારમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક, ધારીયું, છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરાંત શિકાર કરાયેલા પ્રાણીઓના અવશેષો અને માંસ પણ કબજે લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ અગાઉ પણ જંગલી પ્રાણીઓના શિકારમાં સંડોવાયેલા હતા કે નહીં તેમજ કોઈ શિકારી ગેંગ સાથે તેમના સંબંધ છે કે કેમ તે અંગે વન વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહ્યું છે. આ કાર્યવાહીથી વન્યજીવોના શિકાર સામે કડક સંદેશો ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.









