કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે નવી દિલ્હીમાં NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં દેશભરના NDA શાસિત રાજ્યોના નેતાઓ ભાગ લેશે.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન પણ હાજરી આપશે. મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકાર્યો અને ઉપલબ્ધિઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત 12 વર્ષના સફળ શાસન બદલ અભિનંદન પાઠવતો વિશેષ ઠરાવ પણ પસાર કરવામાં આવશે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારો સમન્વય સાધવા અંગે પણ ચર્ચા થશે.
આ ઉપરાંત ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા માટે આગામી વર્ષોમાં હાથ ધરવામાં આવનારા વિકાસકાર્યો અને નીતિઓ અંગે પણ વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવશે. દેશના સર્વાંગી વિકાસ માટે રાજ્યોની ભૂમિકા વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે.
રાજકીય રીતે પણ આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આગામી સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓ અને વિકાસલક્ષી કાર્યક્રમોની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે.









