સાબરકાંઠામાં હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટના, રીક્ષાને ટક્કર મારતા 3 મહિલાના મોત

સાબરકાંઠા જિલ્લાના હરસોલ-ગાંભોઈ હાઈવે પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ નજીક બેફામ કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા ત્રણ મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ, હરસોલ-ગાંભોઈ હાઈવે પર રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષામાં સવાર ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના કારણે સ્થળ પર અરેરાટી અને આક્રંદનો માહોલ સર્જાયો હતો.

મૃતક મહિલાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર કાર ચાલકને શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ગમખ્વાર અકસ્માતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Leave a Comment

Traffic Tail