વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશ્નરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ રીવ્યુ બેઠક યોજાઈ હતી. શહેરમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઈને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન શહેરમાં પાણીના વિતરણ અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. વડોદરાના નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા નિગમ પાસેથી વધારાનું પાણી મેળવવા અંગે આયોજન કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં સીધું પાણી પહોંચે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેના કારણે શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ મળશે. આ ઉપરાંત ચાલુ મહિના દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પાસેથી વધુ પાણી મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
બેઠકમાં પાણીના દુરુપયોગ અને વિતરણ વ્યવસ્થાને અસર કરતા ગેરકાયદેસર કનેક્શન તથા ગેરકાયદેસર મોટર્સના મુદ્દે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. કમિશ્નરે આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવા અને જવાબદાર લોકો સામે નિયમ મુજબ પગલાં ભરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.
વડોદરામાં ઉનાળાની ઋતુ અને વધતી પાણીની માંગ વચ્ચે તંત્ર દ્વારા પાણી પુરવઠો સુચારૂ રહે તે માટે વિવિધ વિકલ્પો પર કામ શરૂ કરવામાં આવ્યું છે. તંત્રને આશા છે કે વધારાના પાણીની ઉપલબ્ધતા અને કડક અમલવારીથી શહેરની પાણીની સમસ્યામાં રાહત મળશે.









