અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુજસીટોકના આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી નીચે પટકાતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસના આગમનની જાણ થતાં ભાગવાનો પ્રયાસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, બોપલના એક ફ્લેટમાં બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ અને મારામારી થઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક રહિશોએ પોલીસને કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં ઝઘડામાં સંડોવાયેલ મહાવીરસિંહ સિંધવ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ દરમિયાન મહાવીરસિંહનો પગ લપસી જતાં તે ચોથા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર ઘટનાના સંજોગો તેમજ ઉપલબ્ધ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે મૃતક મહાવીરસિંહ સિંધવ વિરુદ્ધ ગુજસીટોક સહિત કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.









