અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, ₹20.59 લાખનો જથ્થો જપ્ત

વડોદરા જિલ્લાના કપૂરાઈ પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે-48 પર પોલીસે વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડી અંદાજે રૂ. 20.59 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળતા નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી દરમિયાન કન્ટેનરનો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેના કારણે પોલીસે કન્ટેનર કબજે લઈ તેમાં રહેલો દારૂ જપ્ત કર્યો હતો અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે કપૂરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરીના પ્રયાસો સતત સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસે આ કાર્યવાહી દ્વારા મોટી માત્રામાં દારૂ બજારમાં પહોંચે તે પહેલાં જ ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.

Leave a Comment

Traffic Tail