ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા અનેક વિસ્તારોમાં લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપના જોરદાર આંચકાના કારણે અનેક મકાનો અને ઇમારતોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ભૂકંપ બાદ બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટીમો દ્વારા કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ભૂકંપના આંચકાઓ દૂર-દૂર સુધી અનુભવાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સત્તાવાળાઓએ લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી છે.
ભૂકંપથી થયેલા નુકસાન અને જાનહાનિ અંગેની સંપૂર્ણ માહિતી હજુ સામે આવી રહી છે, જ્યારે પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.









